શું કેન્સર મટાડી શકાય છે?
By Dr Ekta Vala Chandarana, Senior Consultant Medical Oncologist
Updated January 2026

કેન્સર એક જ પ્રકારની બીમારી નથી. દરેક દર્દીમાં તે અલગ રીતે વર્તે છે. ઘણા દર્દીઓ અને પરિવારો મને પૂછે છે: “શું કેન્સર મટી શકે?” જવાબ ઘણી બાબતો પર આધાર રાખે છે, કેન્સરનો પ્રકાર, તેનો સ્ટેજ, સારવાર કેટલી વહેલી શરૂ થઈ અને દર્દીનું શરીર સારવારને કેવો પ્રતિભાવ આપે છે.
કેટલાક કેન્સરમાં બીમારી પૂરેપૂરી કાબૂમાં આવી જાય છે કે લાંબા સમય સુધી પાછી નથી આવતી. તો કેટલાક કિસ્સામાં સારવારનો હેતુ બીમારીને કાબૂમાં રાખવાનો અને જીવન વધુ સારું બનાવવાનો હોય છે. એટલે “કેન્સર સાજું થઈ શકે?” એ સવાલનો જવાબ દરેક માટે એકસરખો નથી.
સાચું નિદાન, સમયસર સારવાર અને અનુભવી ઓન્કોલોજિસ્ટની સલાહથી લીધેલા નિર્ણયો પરિણામ પર મોટી અસર કરે છે. આ લેખ સામાન્ય માહિતી માટે છે. તમારા કિસ્સા માટે તમારા ડૉક્ટર સાથે જરૂર વાત કરો.
કેન્સર અને તેની જટિલતાને સમજીએ
કેન્સર એક રોગ નથી, પણ ઘણા રોગોનો સમૂહ છે. તેમાં શરીરના કોષો કાબૂ વગર વધવા લાગે છે. દરેક પ્રકારનું કેન્સર અલગ હોય છે, અને દરેક વ્યક્તિની સારવાર પણ અલગ હોય છે.
ઘણા કેન્સર પૂરેપૂરા મટી શકે છે, પણ તે માટે આ બાબતો જોવી જરૂરી છે:
- કેન્સરનો પ્રકાર (Type of cancer): દરેક પ્રકાર સારવારને અલગ રીતે પ્રતિભાવ આપે છે. કેટલાક ઝડપથી વધતા (આક્રમક) કેન્સર પણ સારવારને સારો પ્રતિભાવ આપે છે.
- નિદાન વખતનો સ્ટેજ (Stage at diagnosis): શરૂઆતમાં પકડાયેલું કેન્સર મટવાની શક્યતા વધારે હોય છે.
- જનીન ફેરફાર (Genetic markers): કેન્સરના કોષોમાં અમુક જનીન ફેરફાર હોય તો સારવાર કેટલું કામ કરશે તેના પર અસર પડે છે.
- દર્દીની તબિયત (Overall health of the patient): બીજી બીમારીઓ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ફરક પાડે છે.
વહેલું નિદાન એટલે સારવારમાં વધુ સફળતા
કેન્સર વહેલું પકડાય તો મટવાની શક્યતા ઘણી વધી જાય છે. કેટલાક કેન્સરમાં શરૂઆતના તબક્કે જીવિત રહેવાનો દર 90% થી વધુ હોય છે, જેમ કે:
- સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મેલાનોમા (ચામડીનું એક કેન્સર): વહેલાં પકડાય તો સારવારને ખૂબ સારો પ્રતિભાવ આપે છે.
- સર્વાઇકલ કેન્સર: પેપ સ્મીયર ટેસ્ટ જેવી નિયમિત તપાસથી સહેલાઈથી વહેલું પકડી શકાય છે.
કેન્સરની સારવારમાં નવી પ્રગતિ
"શું કેન્સરનો ઇલાજ થઈ શકે?": આજે આ સવાલનો જવાબ પહેલાં કરતાં વધુ આશા આપે છે, કારણ કે સારવારની ઘણી નવી રીતો આવી છે:
સર્જરી (Surgery):
- જે ગાંઠ એક જ જગ્યાએ હોય અને ફેલાઈ ન હોય, તેમાં ખાસ ઉપયોગી.
- નાના કાપવાળી (મિનિમલી ઇનવેસિવ) અને રોબોટની મદદથી થતી સર્જરીથી ચોકસાઈ વધે છે અને જલ્દી સાજા થવાય છે.
રેડિયેશન થેરાપી (Radiation Therapy):
- શક્તિશાળી કિરણોથી કેન્સરના કોષોનો નાશ કરવામાં આવે છે.
- શરૂઆતના તબક્કાના ઘણા કેન્સરમાં એકલું રેડિયેશન પણ અસરકારક હોય છે.
કેમોથેરાપી (Chemotherapy) -
- પહેલાં તેની આડઅસરો વધારે હતી, પણ આજની સારવાર ઘણી સુધરેલી છે.
- કેટલાક કિસ્સામાં કેન્સર પૂરેપૂરું દેખાતું બંધ થઈ જાય (સંપૂર્ણ રેમિશન) એવું પણ બને છે.
ઈમ્યુનોથેરાપી (Immunotherapy):
- શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિને કેન્સર સામે લડવા તૈયાર કરે છે.
- આગળના તબક્કાના કેન્સરવાળા કેટલાક દર્દીઓમાં પણ લાંબા સમય સુધી રેમિશન જોવા મળે છે.
ટાર્ગેટેડ થેરાપી (Targeted Therapy):
- કેન્સરના કોષોના ખાસ જનીન ફેરફાર પર સીધું નિશાન તાકે છે.
- જૂની કીમોથેરાપી કરતાં ઘણી વાર વધુ અસરકારક અને ઓછી આડઅસરવાળી હોય છે.
દરેક વ્યક્તિ માટે અલગ સારવાર (Personalized Medicine):
- દર્દીના જનીનની તપાસ પ્રમાણે સારવાર નક્કી થાય છે.
- તેનાથી સફળતાની શક્યતા વધે છે.
કેન્સર મટવું અને રેમિશન: ફરક શું છે?
- કેન્સર પૂરેપૂરું મટવું (Cancer Cure):
કેન્સર સંપૂર્ણ નાશ પામ્યું છે અને ફરી પાછું નહીં આવે. - રેમિશન (Remission):
કેન્સરનાં લક્ષણો ઘટી ગયાં છે કે ટેસ્ટમાં કેન્સર દેખાતું નથી, પણ તે પાછું આવવાની થોડી શક્યતા રહે છે.
સંપૂર્ણ રેમિશન (Complete Remission):
- શરીરમાં ક્યાંય કેન્સરના કોષો દેખાતા નથી, પણ નિયમિત ચેક-અપ ચાલુ રાખવું જરૂરી છે.
આંશિક રેમિશન (Partial Remission):
- કેન્સર ઘટ્યું છે, પણ હજી શરીરમાં છે.
કેટલાક દર્દીઓ દાયકાઓ સુધી રેમિશનમાં રહે છે અને સામાન્ય જીવન જીવે છે. છતાં અમે ડૉક્ટરો "પૂરેપૂરું મટી ગયું" કહેતાં સંકોચ રાખીએ છીએ, કારણ કે કેન્સર પાછું આવવાની (recurrence) થોડી શક્યતા હંમેશા રહે છે.
કેન્સરથી બચાવ અને સારવારમાં જીવનશૈલીનો ભાગ
નવી સારવાર ખૂબ જરૂરી છે, પણ સાથે સારી જીવનશૈલી પણ કેન્સરથી બચવામાં અને સાજા થવામાં મોટો ભાગ ભજવે છે.
કેન્સરથી બચાવ અને સારવારમાં મદદ કરતી સારી આદતો:
- પૌષ્ટિક ખોરાક: આખું અનાજ, કઠોળ અને બદામ જેવો ખોરાક વધારે લો.
- નિયમિત કસરત: રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરમાં સોજો (દાહ) ઘટાડવા રોજ થોડી કસરત કરો.
- તમાકુ અને વધુ દારૂથી દૂર રહો: ધૂમ્રપાન અને વધારે દારૂથી કેન્સરનું જોખમ વધે છે.
- તણાવ ઓછો કરો: ધ્યાન, યોગ કે કાઉન્સેલિંગથી મન હળવું રાખો.
- નિયમિત ચેક-અપ: કેન્સર વહેલું પકડાય તે માટે સ્ક્રીનિંગ (તપાસ) અને રસીકરણની સલાહ પાળો.
સારી આદતોથી શરીરને કેન્સર સામે લડવાની વધુ તાકાત મળે છે અને સારવાર પણ વધુ સારું કામ કરી શકે છે.
ભવિષ્યમાં કેન્સરની સારવાર
આજે બધા પ્રકારના કેન્સર માટે એક જ સારવાર નથી. પણ વૈજ્ઞાનિકો સતત નવી શોધ કરી રહ્યા છે, અને સારવારમાં મોટી પ્રગતિ થઈ રહી છે.
ભવિષ્યની આશા અને નવી શોધો:
CAR-T સેલ થેરાપી:
- લોહીના કેટલાક કેન્સરમાં સારાં પરિણામ બતાવતી નવી સારવાર.
- શરીરના રોગપ્રતિકારક કોષોમાં ફેરફાર કરીને તેમને કેન્સર સામે વધુ મજબૂત બનાવે છે.
લિક્વિડ બાયોપ્સી:
- સાદા લોહીના ટેસ્ટથી કેન્સર વહેલું પકડવાની સરળ અને હળવી રીત.
- ઓપરેશન કે સોય દ્વારા થતી બાયોપ્સીની જરૂર ઘટાડી શકે.
ઓન્કોલોજીમાં AI (AI in Oncology):
- નિદાન (ડાયગ્નોસિસ) અને દરેક દર્દી માટે સારવાર યોજના બનાવવામાં એઆઈની મદદથી ચોકસાઈ અને ઝડપ વધે છે.
- દર્દી માટે વધુ અસરકારક અને અનુકૂળ સારવાર બનાવવામાં મદદ કરે છે.
આ નવી ટેક્નોલોજી કેન્સરની સારવારને વધુ અસરકારક, ઓછી આડઅસરવાળી અને દર્દી માટે સરળ બનાવી રહી છે.
છેલ્લે
મેં ઘણી વાર નિરાશાને આશામાં બદલાતી જોઈ છે. જ્યાં પહેલાં આશા ઓછી હતી, ત્યાં આજે ઘણા દર્દીઓ શાંતિથી જીવન જીવે છે, આ બધું નવી સારવાર અને સંશોધનને કારણે. શું કેન્સર મટાડી શકાય છે? બધા પ્રકારના કેન્સર માટે આ સવાલનો એક સ્પષ્ટ જવાબ હજી નથી. પણ એ દિવસ જલ્દી આવે તે માટે નવું સંશોધન અને નવી સારવાર પર સતત કામ ચાલુ છે.
જો તમને કે તમારા કોઈ પ્રિયજનને કેન્સરનું નિદાન થયું હોય, તો ડરશો નહીં. યોગ્ય સારવાર લો, સાચી માહિતી મેળવો અને આશા છોડશો નહીં. યોગ્ય સારવાર, ધીરજ અને પરિવારના સાથથી ઘણું બદલાઈ શકે છે. આશા હંમેશા જીવંત રહે છે!
વધુ વિગત માટે “Can Cancer Be Cured?” વિષય પર અમારો અંગ્રેજી લેખ વાંચો.
Related patient guides
This page is for general information and does not replace a consultation. Treatment decisions depend on each patient's diagnosis.
