પુરુષો માટે HPV રસી
By Dr Ekta Vala Chandarana, Senior Consultant Medical Oncologist
Updated April 2026

હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) જાતીય સંબંધથી ફેલાતો એક સામાન્ય ચેપ છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ઘણાં કેન્સર અને તકલીફો કરી શકે છે. લોકો HPV ને મોટાભાગે સ્ત્રીઓના સર્વાઇકલ કેન્સર સાથે જોડે છે, પણ પુરુષોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર થાય છે. આ લેખમાં હું પુરુષો માટે HPV રસી વિશે સમજાવીશ, તે કેમ જરૂરી છે, ક્યારે લેવી, ફાયદા, સલામતી અને લોકોની સામાન્ય ચિંતાઓ.
HPV અને પુરુષોના સ્વાસ્થ્ય પર તેની અસર
HPV એ 200 થી વધુ મળતા-આવતા વાયરસનું જૂથ છે. તેમાંથી કેટલાકને વધુ જોખમી (High-Risk) ગણાય છે, કારણ કે તે કેન્સર કરી શકે છે. પુરુષોમાં આ વાયરસનો ચેપ લાંબો સમય રહે, તો ઘણા પ્રકારનાં કેન્સર અને બીજી તકલીફો થઈ શકે છે.
1.કેન્સર:
- Oropharyngeal Cancer: લગભગ 70% ઓરોફેરિંજલ કેન્સર (ગળા, જીભના મૂળ અને કાકડાનું કેન્સર) HPV સાથે જોડાયેલાં છે.
- Anal Cancer : HPV ના ચેપથી પુરુષોને મળદ્વારનું કેન્સર (anal cancer) થવાનું જોખમ રહે છે.
- Penile Cancer : HPV થી શિશ્નનું કેન્સર (penile cancer) પણ થઈ શકે છે, જોકે તે ઓછું જોવા મળે છે.
2.જીનીટલ વાર્ટ (જનનાંગના મસા):
HPV ના ઓછા જોખમી પ્રકારોથી જનનાંગ પર મસા (Genital Warts) થઈ શકે છે. તેનાથી તકલીફ થાય છે અને સારવાર કરાવવી પડે છે.
પુરુષો માટે HPV રસી કેમ જરૂરી છે
HPV રસી પુરુષોમાં HPV થી થતી બીમારીઓ રોકવામાં મોટો ભાગ ભજવે છે:
કેન્સરથી બચાવ (Cancer Prevention): રસી વધુ જોખમી HPV પ્રકારો સામે રક્ષણ આપે છે, જે Oropharyngeal, Anal અને Penile કેન્સર કરે છે.
જનનાંગના મસામાં ઘટાડો (Reduction of Genital Warts) : રસી ઓછા જોખમી HPV પ્રકારો સામે પણ રક્ષણ આપે છે, એટલે મસા થવાની શક્યતા ઘટે છે.
હર્ડ ઇમ્યુનિટી (સમૂહ રક્ષણ) : વધુ લોકો રસી લે, તો HPV નો ફેલાવો ઘટે છે અને જેમણે રસી નથી લીધી તેમને પણ રક્ષણ મળે છે.
પુરુષો માટે HPV રસીની સલાહ
આરોગ્ય સંસ્થાઓ પુરુષો માટે HPV રસી અંગે આ માર્ગદર્શન આપે છે:
નિયમિત રસીકરણ:
ઉંમર ૧૧ કે ૧૨: અમેરિકાની CDC (રોગ નિયંત્રણ સંસ્થા) ૧૧ કે ૧૨ વર્ષની ઉંમરે HPV રસી આપવાની સલાહ આપે છે. પણ રસી ૯ વર્ષની ઉંમરથી પણ શરૂ કરી શકાય છે.
રહી ગયેલી રસી (કેચ-અપ):
૧૩ થી ૨૬ વર્ષની ઉંમર: જે છોકરાઓ કે પુરુષોએ પહેલાં રસી નથી લીધી, તેમણે ૨૬ વર્ષની ઉંમર સુધીમાં લઈ લેવી જોઈએ.
૨૭ થી ૪૫ વર્ષની ઉંમરના પુરુષો માટે:
૨૭ થી ૪૫ વર્ષના પુરુષો જેમણે રસી નથી લીધી, તેઓ ડૉક્ટર સાથે ફાયદા વિશે વાત કરીને રસી લેવાનું વિચારી શકે છે. આ ઉંમરે ફાયદો થોડો ઓછો હોય છે, કારણ કે ઘણા લોકોને ત્યાં સુધીમાં HPV નો સંપર્ક થઈ ચૂક્યો હોય છે.
HPV રસીનું સમયપત્રક અને ડોઝ
કેટલા ડોઝ લાગશે તે રસી કઈ ઉંમરે શરૂ કરો તેના પર આધાર રાખે છે:
૧૫મા જન્મદિવસ પહેલાં:
બે ડોઝ:
- પહેલો ડોઝ: તમે નક્કી કરો તે દિવસે.
- બીજો ડોઝ: પહેલા ડોઝના ૬ થી ૧૨ મહિના પછી.
૧૫મા જન્મદિવસે કે પછી:
ત્રણ ડોઝ:
- પહેલો ડોઝ: તમે નક્કી કરો તે દિવસે.
- બીજો ડોઝ: પહેલા ડોઝના ૧ થી ૨ મહિના પછી.
- ત્રીજો ડોઝ: પહેલા ડોઝના ૬ મહિના પછી.
જેમની રોગપ્રતિકારક શક્તિ અમુક બીમારીને કારણે નબળી હોય, તેમણે ઉંમર ગમે તે હોય, ત્રણ ડોઝ લેવા જોઈએ.
HPV રસીની સલામતી અને આડઅસરો
ઘણાં સંશોધનો બતાવે છે કે HPV રસી સલામત અને અસરકારક છે:
સામાન્ય આડઅસરો:
- ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો, લાલાશ કે સોજો.
- તાવ.
- માથું દુખવું કે થાક.
- ઉબકા.
- સ્નાયુ કે સાંધામાં દુખાવો.
- આ આડઅસરો મોટાભાગે હળવી હોય છે અને જાતે જ મટી જાય છે.
ગંભીર આડઅસરો:
ગંભીર એલર્જી બહુ જ ભાગ્યે જ થાય છે.
રસીની સલામતી પર સરકારી સંસ્થાઓ સતત નજર રાખે છે.
HPV રસી વિશે સામાન્ય ચિંતાઓ
HPV રસી વિશે સવાલ થવા સ્વાભાવિક છે. મને વારંવાર પૂછાતા કેટલાક સવાલોના જવાબ:
- શું રસી લેવાથી યુવાનો ગમે તેની સાથે સંબંધ રાખવા પ્રેરાય છે?
ના. અભ્યાસોમાં HPV રસી અને જાતીય પ્રવૃત્તિ વધવા વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી.
રસીનો હેતુ માત્ર એચપીવીથી થતી બીમારીઓ રોકવાનો છે.
- જે જાતીય રીતે સક્રિય નથી, તેને રસીની જરૂર છે?
હા. જાતીય સંબંધ શરૂ થાય તે પહેલાં રસી લેવાથી HPV નો સંપર્ક થાય તે પહેલાં જ રક્ષણ મળી જાય છે.
- શું રસી હાલના HPV ચેપને મટાડી શકે?:
ના. રસી નવો HPV ચેપ રોકે છે, પણ પહેલેથી થયેલા ચેપને મટાડતી નથી.
છેલ્લે
HPV રસી પુરુષોમાં HPV થી થતાં કેન્સર અને બીમારીઓ રોકવાનું મહત્વનું સાધન છે. સમયપત્રક પ્રમાણે ડોઝ લઈને અને રસીના ફાયદા સમજીને, પુરુષો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે. HPV રસી વિશે સાચી માહિતી અને યોગ્ય નિર્ણય માટે ડૉક્ટરની સલાહ જરૂર લો.
Treatment information: Cervical Cancer Treatment in Ahmedabad: HPV, Screening, Stages and Care
Related patient guides
This page is for general information and does not replace a consultation. Treatment decisions depend on each patient's diagnosis.
