Dr Ekta Vala ChandaranaMedical Oncologist

HPV વેક્સિન શેડ્યૂલ: દર્દીઓ માટે સરળ માર્ગદર્શિકા

By Dr Ekta Vala Chandarana, Senior Consultant Medical Oncologist
Updated September 2025

દસ્તાના પહેરેલા આરોગ્યકર્મીની હાથમાં “HPV” લખેલા બ્લોક્સ, જે દર્દીઓ માટે HPV વેક્સિન શેડ્યૂલ દર્શાવે છે.

હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસી HPV થી થતા કેન્સર અને બીમારીઓ રોકવાનો મહત્વનો ઉપાય છે. HPV ખૂબ સામાન્ય વાયરસ છે અને તેનાથી ઘણી ગંભીર તકલીફો થઈ શકે છે. એટલે પૂરું રક્ષણ મેળવવા HPV વેક્સિન શેડ્યૂલ (ક્યારે કયો ડોઝ) સમજવું જરૂરી છે. આ લેખમાં હું રસીનું સમયપત્રક, ફાયદા અને લોકોની સામાન્ય ચિંતાઓ સરળ રીતે સમજાવીશ, જેથી તમે સમજીને નિર્ણય લઈ શકો.

Click here to read in english.

HPV રસી શું છે?

HPV (હ્યુમન પેપિલોમાવાયરસ) રસી અમુક પ્રકારના HPV વાયરસ સામે રક્ષણ આપે છે. આ વાયરસથી સર્વાઇકલ (Cervical, ગર્ભાશયનું મુખ), ગળા (Throat), મળદ્વાર (Anal) અને બીજાં કેન્સર થઈ શકે છે. HPV નો ચેપ રોકવામાં આ રસી ખૂબ અસરકારક છે.

  • મંજૂર થયેલી HPV રસીઓમાં Gardasil 9 છે, જે HPV ના 9 વધુ જોખમી પ્રકારો સામે રક્ષણ આપે છે.
  • HPV થી થતી બીમારીઓ રોકવા પુરુષો અને સ્ત્રીઓ બંનેને આ રસીની સલાહ છે.
  • વાયરસનો સંપર્ક થાય તે પહેલાં, ખાસ કરીને કિશોર ઉંમરે, રસી લેવાય તો તે સૌથી વધુ કામ કરે છે.

ભલામણ કરેલ HPV વેક્સિન શેડ્યૂલ

એચપીવી રસીનું શેડ્યૂલ ઉંમર અને તબિયત પ્રમાણે બદલાય છે. નીચે ઉંમર પ્રમાણે ડોઝ સમજાવ્યા છે:

1. બાળકો (9-14 વર્ષની ઉંમર) માટે એચપીવી રસીનું શેડ્યૂલ

2-ડોઝ સિરીઝ:

  • પહેલો ડોઝ: 9-14 વર્ષની ઉંમર વચ્ચે ગમે ત્યારે.
  • બીજો ડોઝ: પહેલા ડોઝના 6-12 મહિના પછી.

જેમણે 15મા જન્મદિવસ પહેલાં પહેલો ડોઝ લીધો હોય, તેમના માટે 2 ડોઝ પૂરતા છે.

2. કિશોરો અને યુવાનો માટે HPV રસીનું શેડ્યૂલ (15-26 વર્ષની ઉંમર)

3-ડોઝ સિરીઝ:

  • પહેલો ડોઝ: ગમે ત્યારે.
  • બીજો ડોઝ: પહેલા ડોઝના 1-2 મહિના પછી.
  • ત્રીજો ડોઝ: પહેલા ડોઝના 6 મહિના પછી.

15 વર્ષ કે તેથી મોટી ઉંમરે રસી શરૂ કરો, તો 3 ડોઝ લેવા જરૂરી છે.

૩. મોટી ઉંમરના લોકો માટે HPV રસીનું શેડ્યૂલ (27-45 વર્ષની ઉંમર)

  • 27-45 વર્ષની ઉંમરના લોકોને આ રસી નિયમિત રીતે આપવાની સલાહ નથી.
  • છતાં આ ઉંમરના કેટલાક લોકોને ફાયદો થઈ શકે છે, ખાસ કરીને જો પહેલાં રસી ન લીધી હોય કે HPV નો સંપર્ક ન થયો હોય.
  • તમારા માટે રસી યોગ્ય છે કે નહીં, તે ડૉક્ટર સાથે વાત કરીને નક્કી કરો.

HPV રસી કોણે લેવી જોઈએ?

આ લોકોને HPV રસીની સલાહ છે:

  • 9 વર્ષની ઉંમરથી બધાં બાળકો (છોકરા અને છોકરી બંને).
  • 26 વર્ષ સુધીના કિશોરો અને યુવાનો, જેમણે હજી રસી નથી લીધી.
  • 27-45 વર્ષના કેટલાક લોકો, તેમના જોખમ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે.
  • જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, જેમ કે HIV હોય, તેમને ઉંમર ગમે તે હોય, 3 ડોઝની જરૂર પડી શકે છે.

HPV રસી કોણે ન લેવી જોઈએ?

  • રસીના કોઈ પણ ઘટકથી ગંભીર એલર્જી હોય તેવા લોકો.
  • પહેલાંના HPV ડોઝ પછી ગંભીર રિએક્શન આવ્યું હોય તેવા લોકો.
  • ગર્ભવતી સ્ત્રીઓ (સામાન્ય રીતે ગર્ભાવસ્થામાં રસી ટાળવામાં આવે છે, જોકે તેને સલામત માનવામાં આવે છે).
  • તેજ તાવ કે ગંભીર બીમારી હોય તો, તબિયત સારી થયા પછી રસી લઈ શકાય.

HPV રસીના ફાયદા:

  • સર્વાઇકલ, ગળા, મળદ્વાર અને બીજાં કેન્સર સામે રક્ષણ.
  • જનનાંગના મસા (genital warts) અટકાવે.
  • HPV નો ફેલાવો ઘટાડીને આવનારી પેઢીઓને પણ બચાવે.
  • લાંબા સમય સુધી રક્ષણ: ઘણાં વર્ષો સુધી અસર રહે છે.

HPV રસી વિશે સામાન્ય ખોટી માન્યતાઓ:

વિજ્ઞાનનો પૂરો ટેકો હોવા છતાં, HPV રસી વિશે ઘણી ખોટી માન્યતાઓ છે. માતા-પિતા મને ઘણી વાર આ સવાલો પૂછે છે:

HPV રસી લીધા પછી કિશોરો વહેલી ઉંમરે શારીરિક સંબંધ રાખે છે.

→ ના. સંશોધન મુજબ રસી અને શારીરિક સંબંધના વર્તન વચ્ચે કોઈ સંબંધ નથી.

માત્ર સ્ત્રીઓને જ HPV રસીની જરૂર છે.

→ ના. પુરુષોને પણ જરૂર છે, કારણ કે તેમને પણ HPV નો ચેપ લાગી શકે છે અને તેઓ બીજાને ફેલાવી શકે છે.

હું શારીરિક સંબંધમાં નથી, તો મને રસીની જરૂર નથી.

→ ખરેખર, ચેપ લાગે તે પહેલાં રસી લેવાય ત્યારે જ તે સૌથી વધુ કામ કરે છે.

HPV રસીની શક્ય આડઅસરો

  • ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો, લાલાશ કે સોજો.
  • હળવો તાવ કે માથું દુખવું.
  • ચક્કર આવવા કે બેભાન થવું: એટલે જ રસી પછી 15 મિનિટ સુધી દર્દીને બેસાડીને ધ્યાન રાખવામાં આવે છે.
  • ક્યારેક ઉબકા કે થાક.

ગંભીર એલર્જી બહુ જ ભાગ્યે જ થાય છે. પણ જો શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા કે ગળામાં સોજો, કે આખા શરીરે ફોલ્લીઓ થાય, તો તરત ડૉક્ટર પાસે જાઓ.

HPV વેક્સિન શેડ્યૂલ પ્રમાણે ડોઝ લેવા કેમ જરૂરી છે?

  • HPV થી થતી બીમારીઓ સામે પૂરેપૂરું રક્ષણ મળે.
  • HPV ના પ્રકારો સામે વધુ મજબૂત અને લાંબું રક્ષણ મળે.
  • આગળ જતાં HPV થી થતા કેન્સરનું જોખમ ઘટે.

છેલ્લે:

HPV રસી કેન્સરથી બચવાનો મજબૂત ઉપાય છે. શેડ્યૂલ પ્રમાણે બધા ડોઝ લેવા એ કેન્સર અને ચેપ રોકવા માટે જરૂરી છે. જો તમે કે તમારાં બાળકોએ હજી HPV રસી ન લીધી હોય, તો આજે જ ડૉક્ટર સાથે વાત કરો અને રસી શરૂ કરો.

તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો: રસી લો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો.

Treatment information: Cervical Cancer Treatment in Ahmedabad: HPV, Screening, Stages and Care

Related patient guides

This page is for general information and does not replace a consultation. Treatment decisions depend on each patient's diagnosis.

CallWhatsApp