પરિવર્તન, જો સારા સ્વાસ્થ્ય તરફ હોય તો ઉત્તમ છે પરંતુ તે જ ફેરફાર જો બીમારી તરફ હોય તો ? તો આપણે પાછળ રહી ગયાં. હેલો મિત્રો, હું ડૉ. એકતા વાલા આ “વર્લ્ડ નો ટોબેકો ડે” પર તમાકુ અને તેની અસર પર ચર્ચા કરીશ, જે આજની યુવા પેઢી માટે ખૂબ જ જરૂરી છે, અને પેરેન્ટ્સ માટે પણ જાણવું મહત્વપૂર્ણ છે.
હમણાં જ મળેલી અમારી કેન્સર ડોક્ટર્સ મિટિંગમાં આ વાત સામે આવી કે પહેલાં જ્યાં તમાકુનો ઉપયોગ કરવો માત્ર વૃદ્ધો અથવા 40 વર્ષથી ઉપરના લોકોમાં જોવા મળતો હતો, હવે તે યુવાનોમાં પણ ખૂબ સામાન્ય થઈ ગયો છે.
આજની યુવા પેઢી, જે કાલનું ભવિષ્ય હશે, આ ધુમાડામાં ડૂબી રહ્યુ છે. તમાકુના ઉપયોગમાં આ ફેરફાર ચિંતાજનક છે. યુવાનોમાં તમાકુ સેવનના વધતા પ્રચલન પાછળ અનેક કારણો હોઈ શકે છે, જેમાંથી કેટલાક કારણો છે — દેખાવો, સોશ્યિલ મિડિયા પર ખોટા સંદેશાઓનું પ્રસારણ, ફિલ્મો અને વેબ સીરિઝમાં તમાકુ સેવનનું ગ્લેમરાઇઝેશન, અને સામાજિક દબાણ. આ બધાએ મળીને યુવાનોના મનમાં આ માન્યતા બનાવી દીધી છે કે તમાકુ સેવન ‘કૂલ’ અને ‘સ્ટાઇલિશ’ છે.
તમાકુની આરોગ્ય પર અસર
તમાકુનું સેવન શરીર પર ગંભીર અને પ્રતિકૂળ અસર પેદા કરે છે. તે માત્ર ફેફસાંના કેન્સર અને હૃદય રોગ જેવા ઘાતક રોગોનું કારણ નથી પરંતુ અન્ય અનેક આરોગ્ય સમસ્યાઓને પણ જન્મ આપે છે. યુવાનોમાં તમાકુ સેવનની સીધી અસર તેમના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે. તેના કારણે તેઓની જીવન પ્રત્યાશા માત્ર ને માત્ર ઘટે જ છે, ઉપરાંત તેઓની શારીરિક અને માનસિક ક્ષમતા પણ અસરગ્રસ્ત થાય છે.
તમાકુ વ્યસન સામે ની લડાઈ માં સમાજ અને પરિવારની ભૂમિકા
સમાજ અને પરિવારની ભૂમિકા તમાકુ સેવનને અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પરિવાર પોતાના બાળકોને તમાકુ સેવનના દૂષપ્રભાવ અંગે જાગૃત કરે, શાળાઓ અને કોલેજોમાં પણ આ સંદર્ભમાં જાગૃતિ કાર્યક્રમો ચલાવવા જોઈએ. બાળકો સાથેનો સીધો સંપર્ક અને સચોટ વાર્તાલાપ એ આ વ્યસન ને અટકાવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.
નિષ્કર્ષ
તમાકુ સેવન એક ગંભીર સમસ્યા છે, જેનો પ્રભાવ માત્ર તમાકુ વપરાશકર્તાઓ પર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ પર પડે છે. આપણે મળીને આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે અને યુવાનોને એક તંદુરસ્ત અને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવું પડશે. જો તમારા પરિવાર માં અથવા મિત્ર વર્તુળ માં કોઈ છે જે તમાકુ નું વ્યસન કરે છે તો આજે એ દિવસ છે કે તમે તેની સાથે વાત કરો. તમારો એક પ્રયત્ન કોઈ નું જીવન સુધારી શકે છે.