કીમોથેરાપી પૂરી થાય ત્યારે દર્દી અને પરિવાર બંને માટે એ એક મોટી ક્ષણ હોય છે. પરંતુ છેલ્લી સાયકલ પૂરી થઈ એટલે શરીર તરત જ “પહેલા જેવું” નથી થઈ જતું. ઘણા દર્દીઓ ને લાગે છે – “સારવાર પૂરી થઈ, તો હવે થાક કેમ છે? વાળ ક્યારે પાછા આવશે? હું કામ પર ક્યારે જઈ શકીશ?”
ઓપીડી માં કીમોથેરાપી પૂરી કરેલા દર્દીઓ પાસેથી મને સૌથી વધુ આ સવાલો સાંભળવા મળે છે:
- “કેમો પૂરી થઈ ગઈ, તો પણ થાક કેમ લાગે છે?”
- “વાળ પાછા આવવાનું ક્યારે શરૂ થશે – અને પહેલા જેવા જ આવશે?”
- “હું ઓફિસ / કામ પર ક્યારે પરત જઈ શકું?”
આજની વાત માં આ ત્રણેય સવાલો નો સ્પષ્ટ, સરળ ગુજરાતી ભાષા માં જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
કીમોથેરાપી પછી નો થાક – કેમ રહે છે અને કેવી રીતે ઘટાડવો?
કીમોથેરાપી શરીર ના તંદુરસ્ત કોષો ને પણ અસર કરે છે – ખાસ કરીને લોહી ના કોષો ને. એટલે સારવાર પૂરી થયા પછી પણ થાક 4 થી 6 અઠવાડિયા, અને ક્યારેક થોડા મહિના સુધી રહી શકે છે. આ સામાન્ય છે – તેનો અર્થ એ નથી કે કંઈક ખોટું છે.
થાક ઘટાડવા આ કરો
- ધીમે ધીમે હલનચલન: સંપૂર્ણ આરામ ના કરો. રોજ 10-15 મિનિટ ધીમું ચાલવાનું શરૂ કરો – ધીમે ધીમે સમય વધારો.
- નાના-નાના ભોજન: દિવસ માં 3 મોટા ભોજન ને બદલે 5-6 નાના ભોજન લો. પ્રોટીન (દાળ, પનીર, ઈંડા, દહીં) દરેક ભોજન માં રાખો.
- પાણી પુષ્કળ પીવો: શરીર માંથી કીમોથેરાપી ની દવા ઓ ને બહાર કરવા માટે પાણી જરૂરી છે.
- ટૂંકી ઊંઘ (નેપ) લો: દિવસ દરમિયાન 20-30 મિનિટ ની ટૂંકી ઊંઘ થાક ઘટાડે છે – પણ રાત ની ઊંઘ ને ખલેલ ના પડે તેટલી જ રાખો.
- કામ ને પ્રાધાન્ય આપો: દિવસ ના જે કામ સૌથી જરૂરી હોય તે પહેલા કરો, બાકી નું પછી પર છોડો.
જો થાક ખૂબ વધારે લાગે, શ્વાસ ચઢે, અથવા ચક્કર આવે – તો તરત ડૉક્ટર ને જણાવો. ક્યારેક તે લોહી ની ઓછી માત્રા (એનીમિયા) નું કારણ હોઈ શકે છે.
વાળ પાછા આવવા – સમય અને કાળજી
કીમોથેરાપી પૂરી થયા પછી વાળ ના ફોલિકલ ફરી કામ કરવાનું શરૂ કરે છે, પણ તેમાં સમય લાગે છે.
- શરૂઆત: કેમો પૂરી થયા પછી સામાન્ય રીતે 4-6 અઠવાડિયા માં નાના, નરમ વાળ દેખાવા લાગે છે.
- પૂરી ઘનતા: વાળ ને પહેલા જેવી ઘનતા સુધી પહોંચવા માં 6 થી 12 મહિના લાગી શકે છે.
- રંગ અને ટેક્સચર: શરૂઆત ના વાળ થોડા વાંકડિયા, પાતળા, અથવા અલગ રંગ ના પણ હોઈ શકે. આ અસ્થાયી છે – સમય જતાં સામાન્ય થઈ જાય છે.
વાળ ની કાળજી માટે આ ધ્યાન રાખો
- હળવા, સલ્ફેટ-ફ્રી શેમ્પૂ વાપરો.
- ડ્રાયર, સ્ટ્રેટનર, અથવા કલર – ઓછામાં ઓછા 3 મહિના ટાળો.
- માથા ની ચામડી ને હળવા હાથે માલિશ કરો – તેલ (નાળિયેર કે બદામ) નો ઉપયોગ કરી શકાય.
- તડકા માં માથું ઢાંકી ને જ બહાર જાઓ – નવી ચામડી સંવેદનશીલ હોય છે.
કામ પર પરત ફરવું – ક્યારે અને કેવી રીતે?
આ સવાલ નો કોઈ એક જ જવાબ નથી – તે કીમોથેરાપી ના પ્રકાર, કામ ના સ્વરૂપ, અને શરીર ની સ્થિતિ પર આધારિત છે.
- હલકું ઓફિસ કામ: ઘણા દર્દીઓ છેલ્લી સાયકલ પછી 2-4 અઠવાડિયા માં ધીમે ધીમે શરૂ કરી શકે છે.
- શારીરિક શ્રમ વાળું કામ: આ માટે વધુ સમય – સામાન્ય રીતે 4-8 અઠવાડિયા – જરૂરી હોઈ શકે છે.
- પાર્ટ-ટાઈમ થી શરૂઆત કરો: સીધા પૂરા સમય ના કામ પર જવા ને બદલે, અડધા દિવસ થી શરૂઆત કરો.
- રોગપ્રતિકારક શક્તિ નું ધ્યાન રાખો: કામ પર પરત જતાં પહેલા લોહી ની તપાસ કરાવો – જો શ્વેત કણો ઓછા હોય તો ભીડભાડ વાળી જગ્યાઓ થોડા સમય ટાળો.
ડૉ. એક્તા ની વ્યક્તિગત નોંધ
“ઘણા દર્દીઓ મને પૂછે છે – ‘કેમો પૂરી થઈ ગઈ, તો હવે હું પહેલા જેવો/જેવી કેમ નથી લાગતો/લાગતી?’ હું તેમને એટલું જ કહું છું – શરીર ને સાજા થવા માટે એટલો જ સમય જોઈએ છે જેટલો સારવાર લેવા માં લાગ્યો હતો. થાક, વાળ, અને કામ પર પરત ફરવું – આ બધું ધીમે ધીમે, પોતાની ગતિ એ થાય છે. ધીરજ રાખવી એ પણ સારવાર નો જ એક ભાગ છે.”
ધ્યાન રાખવા જેવી બાબતો
- છેલ્લી કેમો સાયકલ પછી નિયમિત ફોલો-અપ તપાસ ચૂકશો નહીં.
- લોહી ની તપાસ (CBC) ડૉક્ટર ના કહ્યા મુજબ કરાવતા રહો.
- કામ પર પરત ફરવા નો નિર્ણય ડૉક્ટર ની સલાહ લીધા પછી જ લો.
- કોઈ પણ નવું લક્ષણ – તાવ, વધુ પડતો થાક, શ્વાસ ચઢવો – તરત જણાવો.
જો તમે અમદાવાદ માં કેન્સર નિષ્ણાત ની સલાહ લેવા માંગતા હો, તો ડૉ. એક્તા વાળા
સંપર્ક કરો. એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો: 8866843843